HomeAllમોરબી: રહેણાક અને ધાર્મિક સ્થળો પાસે ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ

મોરબી: રહેણાક અને ધાર્મિક સ્થળો પાસે ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ

મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં જાહેર જગ્યાઓ, રહેણાક વિસ્તારો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ ધમધમતી નોનવેજની લારીઓ અને કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક નાગરિકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. આ મામલે હિન્દુ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકોએ એકસૂરમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, શક્તિ ચોક વિસ્તારમાં રહેણાક મકાનો અને ધાર્મિક સ્થળોની આસપાસ નોનવેજની લારીઓ સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે અગાઉ પણ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનું કાયમી નિરાકરણ આવ્યું નથી.

રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ ગેરકાયદેસર કે અનધિકૃત પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ નોનવેજની લારીઓ અને કતલખાનાઓના જરૂરી લાયસન્સ તથા પરમિશનની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે રહેણાક અને ધાર્મિક સ્થળોની આસપાસ આવી પ્રવૃત્તિઓને મંજૂરી મળવાથી વિવિધ સમાજ વચ્ચે ગેરસમજ અથવા તણાવની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. તેથી સરકારી નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરાવી, રહેણાક તથા ધાર્મિક સ્થળોથી દૂર યોગ્ય સ્થળે નોનવેજની લારીઓ ખસેડવા વહીવટી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

કાર્યवाही નહીં થાય તો આંદોલનની ચીમકી

સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. સ્થાનિકોએ તંત્રને આ પ્રશ્નને ગંભીરતાથી લઈ નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments