નવા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થતો હોવાનો દાવો લાઈવ ડિબેટમાં સાબિત કરવા પ્રતિકભાઈ પટેલનો પડકાર

મોરબી: જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતોમાં જાગૃતિ અને એકતા લાવવા માટે જેતપર સત્યાગ્રહ આંદોલન સમિતિ દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સોમવારે રાત્રે બગથળા ગામે ખેડૂત જાગૃતિ અને એકતા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનો દ્વારા ખેડૂતોને વીજપોલના કારણે થતી જમીન અને ખેતી સંબંધિત નુકસાની તેમજ ભવિષ્યમાં ઉભા થઈ શકે તેવા જોખમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ને હુલભાઈ અમૃતિયા, પ્રતિકભાઈ પટેલ, રાજુભાઈ અમૃતિયા, રાકેશભાઈ અમૃતિયા, નિકેતભાઈ પંચસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બગથળા તથા આસપાસના ગામોના ખેડૂતો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે રાકેશભાઈ અમૃતિયાએ ખાનગી વીજ કંપનીઓને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, હવે કંપનીના માણસો ખેતરમાં વીજપોલ માટે આવે ત્યારે ખેડૂતો સ્પષ્ટપણે કહી દે કે કાં તો થાંભલા લઈ જાઓ અને કાં તો પૂરતું વળતર આપો, અન્યથા ખેતરમાં વીજપોલ નાખવા દેવામાં નહીં આવે.

ને હુલભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વીજપોલ ઊભો કરવામાં આવે તે જમીનના વિસ્તારના બે ગણા વિસ્તારનું વળતર આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ વીજપોલના કારણે ખેતરની બાકીની જમીનના બજારભાવમાં ઘટાડો થાય છે અને ખેતીને થતું અન્ય નુકસાન પણ થાય છે. આ નુકસાનનું વળતર કોણ આપશે તે મોટો પ્રશ્ન છે.

ખેડૂતો દ્વારા તા. 4 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા નવા વળતર પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવા છતાં, અધિકારીઓ દ્વારા વિવિધ ગામોની એમઆરસી કમિટીમાં ખેડૂતોના નામ દર્શાવી સંબંધિત ગામો એમઆરસી સાથે સંમત હોવાનું જણાવવામાં આવતું હોવાનો આક્ષેપ પણ આંદોલન સમિતિના આગેવાનોએ કર્યો હતો. આ બાબત વાસ્તવિક સ્થિતિથી વિપરીત હોવાનો તેમનો દાવો છે.

દરમિયાન, જેતપર આંદોલન સમિતિના સભ્ય પ્રતિકભાઈ પટેલે મંચ પરથી ભાજપના ધારાસભ્યો અને સાંસદોને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, ભાજપના સમર્થકો અને કાર્યકરો દ્વારા જો એવો દાવો કરવામાં આવે છે કે સરકારના નવા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થશે, તો ગુજરાતના 162 ધારાસભ્યો અને 25 સાંસદોમાંથી જે કોઈ આ મુદ્દે જાણકારી ધરાવતા હોય તેઓ જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે આવી લાઈવ ડિબેટ કરે અને કાયદાકીય રીતે સાબિત કરે કે નવા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થશે તથા ખેડૂતોની માંગણી ખોટી છે.

તેમણે વધુમાં પડકાર આપ્યો હતો કે, જો લાઈવ ડિબેટમાં નવા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થાય છે તે સાબિત ન કરી શકાય, તો જનપ્રતિનિધિઓએ રાજીનામું આપીને ખેડૂતોના સમર્થનમાં જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે બેસી જવું જોઈએ.

ખાનગી વીજ કંપનીઓના વીજપોલ મુદ્દે ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે જેતપર ગામે સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ સહિતનું આંદોલન હાલ પણ ચાલુ છે. વિવિધ ગામોના ખેડૂતો અને મહિલાઓ છાવણી ખાતે પહોંચી ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહ્યા છે. સાથે જ આંદોલન સમિતિ દ્વારા ગામેગામ જઈ ખેડૂતોને સંગઠિત અને જાગૃત કરવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે.

















