
મોરબી: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાર્થક વિદ્યામંદિર અને સંસ્કૃત ભારતી, મોરબીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના ગૌરવને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.




સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, સંસ્કૃત નોડલ અધિકારી હિતેશ તથા દીપાબેન તેમજ સંસ્કૃત તજજ્ઞ ધવલ અને વિવેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગણેશ, ટ્રસ્ટીગણ કિશોર શુક્લ, પ્રમોદસિંહ રાણા અને પ્રવીણ રાજાણી, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ, સંસ્કૃતપ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગરબા, વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ક્રિયાપદ પરિચય તથા ‘સાયન્સ ઇન સંસ્કૃત’ જેવી વિવિધ જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ તેમજ વર્તમાન સમયમાં તેની ઉપયોગિતા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે સંસ્કૃત કક્ષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની મહાનુભાવોએ મુલાકાત લઈ વિવિધ પ્રસ્તુતિઓનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃશાંગ અને નેહા દ્વારા સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. યાત્રામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ગૌરવને દર્શાવતા વિશેષ ટેબ્લો, વિવિધ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ, સંસ્કૃત રાસ-ગરબા, ભરતનાટ્યમ, સંસ્કૃત ગીતો તેમજ સંસ્કૃત ભાષાના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંસ્કૃતપ્રેમીઓ જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ અને ગૌરવ જોવા મળ્યો હતો.

સંસ્કૃત: ભાષાના સંવર્ધન, પ્રચાર અને નવી પેઢીમાં તેના પ્રત્યે રસ જાગૃત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિર તથા સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ અને સહયોગીઓએ અથાગ પરિશ્રમ કર્યો હતો.



















