મોરબી જિલ્લામાં ૪૩૭ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક રૂ. ૩,૦૦૦ની સહાય

મોરબી, તા. ૩૧ ઓગસ્ટ: મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના કલ્યાણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. નિરાધાર, અનાથ તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતા બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે આર્થિક સહાય ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પોષણ અને આશ્રય જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પાલક માતા-પિતા યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૪૩૭ અનાથ બાળકોને તેમના સંભાળ અને શૈક્ષણિક ખર્ચ માટે દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન માતા અથવા પિતા પૈકી કોઈ એકને ગુમાવનાર ૪૩૩ બાળકોને તેમના અભ્યાસ માટે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી દર મહિને રૂ. ૨,૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે.

સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કર્યા બાદ તેમના શિક્ષણ અને સંભાળ માટે ૪૬ બાળકોને દર મહિને રૂ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત એચ.આઈ.વી. પોઝિટિવથી અસરગ્રસ્ત બાળકો અથવા તેમના માતા-પિતા પૈકી કોઈ એક એચ.આઈ.વી.થી અસરગ્રસ્ત હોય તેવા ૬૪ બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે.

બાળકોને સુરક્ષિત વાતાવરણ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા ૧૩૩ બાળકોને સંસ્થાકીય આશ્રય આપવામાં આવ્યો છે. અહીં બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની જરૂરી સેવાઓ સાથે ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજના તેમજ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત સુગમ બને તે હેતુથી સરકાર દ્વારા લગ્ન સહાય પેટે રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨ દીકરીઓને કુલ રૂ. ૨૪ લાખની સહાય આપવામાં આવી છે.

આમ, મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારની વિવિધ બાળ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી રહેલી આ કામગીરી જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારો માટે મજબૂત સહારો બની રહી છે.




















