વિવિધ વયજૂથના ખેલાડીઓને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રમતગમત અધિકારીની અપીલ

મોરબી, તા. ૩૧ ઓગસ્ટ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને શોધી તેમને પ્રોત્સાહન આપવા તેમજ પોતાની પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વિવિધ વયજૂથના ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ પ્રથમ તબક્કે શાળાકક્ષાએ, ત્યારબાદ તાલુકા/ઝોનકક્ષાએ, મોરબી મહાનગરપાલિકા/જિલ્લાકક્ષાએ અને ત્યારબાદ ઝોનથી રાજ્યકક્ષા સુધી યોજાશે.

ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં કુલ ૩૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ, અબવ-૪૦ વર્ષ અને અબવ-૬૦ વર્ષ એમ કુલ સાત વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.

ખેલ મહાકુંભ-૨૦૨૬ માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રહેશે. ઇચ્છુક ખેલાડીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ખેલાડીઓ www.khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. નોંધનીય છે કે રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.

મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ-૨૦૨૬માં જોડાઈ પોતાની રમતગમતની પ્રતિભા પ્રદર્શિત કરે અને મોરબી જિલ્લાને ગૌરવ અપાવે તે માટે જિલ્લા રમતગમત અધિકારી, મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેલ મહાકુંભ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકાશે.




















