
31 ઓગસ્ટ વીતી જવા છતાં સપ્ટેમ્બર માટે ગુજરાત ગેસે ડિમાન્ડ લિંક ન મોકલતા મૂંઝવણ: IOC, BPCL અને HPCLએ પણ પ્રોપેનના ભાવ જાહેર ન કરતા ઉદ્યોગકારો ચિંતિત

મોરબી : ઈરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ અને હોર્મુઝ સંકટની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાત ગેસ કંપની દ્વારા અલગ-અલગ ત્રણ ભાવથી નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવ્યા બાદ હવે 31 ઓગસ્ટ વીતી જવા છતાં સપ્ટેમ્બર માસ માટેની ડિમાન્ડ લિંક મોકલવામાં આવી નથી. બીજી તરફ ભારત સરકારની ત્રણેય ઓઈલ કંપનીઓ IOC, BPCL અને HPCL દ્વારા પણ સપ્ટેમ્બર માસ માટે પ્રોપેનના ભાવ જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે સિરામિક ઉદ્યોગકારો માટે આગામી મહિનાના ગેસ ખર્ચ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ-વિદેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગેસના ભાવ અને ઉપલબ્ધતાને લઈને ઉદ્યોગકારોને સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષ બાદ લાંબા સમય સુધી ગેસની અછતનો સામનો કર્યા બાદ સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો હતો, ત્યારે જુલાઈ માસમાં ફરી ગેસની સમસ્યા સર્જાઈ હતી.

ગેસની અછત અને ઊંચા ભાવને કારણે સિરામિક ઉદ્યોગના અનેક એકમો નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન તરફ વળ્યા હતા. બાદમાં પ્રોપેનના ભાવ નેચરલ ગેસની સરખામણીએ આશરે રૂ. 20 જેટલા સસ્તા પડતા હોવાથી મોટાભાગના ઉદ્યોગોએ ફરીથી પ્રોપેનનો વપરાશ વધાર્યો હતો. પરિણામે ગુજરાત ગેસના નેચરલ ગેસના દૈનિક વપરાશમાં અંદાજે 55થી 60 લાખ ક્યુબિક મીટર જેટલો ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રોપેનના વપરાશમાં થયેલા વધારાને પગલે ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્ટેમ્બર માસ માટેની ડિમાન્ડ લિંક મોકલવામાં આવી નથી તેમજ નવા એમજીઓ અંગે પણ હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ અમેરિકાથી મોટા પ્રમાણમાં એલએનજીની આયાત થતી હોવા છતાં IOC, BPCL અને HPCL દ્વારા સપ્ટેમ્બર માસના પ્રોપેનના ભાવ અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

નેચરલ ગેસ અને પ્રોપેન બંનેના ભાવ અંગે અનિશ્ચિતતા સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે આગામી મહિનાના ઉત્પાદન ખર્ચનું આયોજન મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અને ઉદ્યોગ માટે ગેસના ભાવમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે મોરબી સિરામિક એસોસિએશનના અગ્રણીઓ સોમવારે ગાંધીનગર પહોંચ્યા હતા.

ગાંધીનગર ખાતે ઉદ્યોગકારોએ સિરામિક ઉદ્યોગની મુખ્ય જરૂરિયાત અને ઉત્પાદનની કરોડરજ્જુ સમાન ગેસના ભાવ તથા ઉપલબ્ધતા અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉદ્યોગકારોએ ગેસના ભાવમાં વારંવાર થતા ફેરફાર અને અનિશ્ચિતતાથી ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ અંગે પણ સરકારનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે.

મોડી સાંજ સુધીમાં ગુજરાત ગેસ દ્વારા સપ્ટેમ્બર માસના ભાવ જાહેર થવાની શક્યતા

ગુજરાત ગેસ કંપની સાથે સંકળાયેલા સૂત્રો તેમજ સિરામિક ઉદ્યોગના અગ્રણીઓના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિને 25મી તારીખની આસપાસ ગુજરાત ગેસ કંપની આગામી માસના વપરાશ માટે ડિમાન્ડ લિંક મોકલતી હોય છે અને ઉદ્યોગકારોની ડિમાન્ડના આધારે ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, હોર્મુઝ સંકટ અને ઓગસ્ટ માસમાં નેચરલ ગેસના વપરાશમાં નોંધપાત્ર ઘટાડાને કારણે 31 ઓગસ્ટના સાંજે 5:45 વાગ્યા સુધી સપ્ટેમ્બર માસની લિંક મોકલવામાં આવી નહોતી અને ભાવ અંગે પણ સ્પષ્ટતા થઈ નહોતી. જોકે, મોડી સાંજ સુધીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્ટેમ્બર માસના ભાવ જાહેર કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.

ગેસના ભાવ અને ઉપલબ્ધતાની અનિશ્ચિતતા વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ગાંધીનગર દોડ હવે સરકાર અને ગેસ સપ્લાય કરતી કંપનીઓ તરફથી કયા નિર્ણય આવે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
















