
મોરબી: સાતમના તહેવારોને અનુલક્ષીને મેળાઓમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને નિરાધાર લોકો માટે મેળાનું મનોરંજન ઘણીવાર માત્ર સ્વપ્ન બની રહે છે. આ વચ્ચે મોરબીના સેવાભાવી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા માનવતાભરી પહેલ કરવામાં આવી હતી.




ગત રવિવારે બાયપાસ રોડ પર આયોજિત ક્રિષ્ના મેળામાં મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહના ઘરવિહોણા અને નિરાધાર આશરે ૪૦ જેટલા આશ્રિતોને મેળાની વિવિધ રાઈડમાં નિઃશુલ્ક મનોરંજન માણવાની સુવર્ણ તક આપવામાં આવી હતી.

આશ્રય ગૃહની સંચાલક સંસ્થા સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા આશ્રિતોને મેળામાં મનોરંજન કરાવવા માટે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ડેટર દેવેનભાઈ રબારીને વિનંતી કરવામાં આવી હતી. જેના અનુસંધાને દેવેનભાઈ રબારી દ્વારા તમામ આશ્રિતો દરેક રાઈડનો આનંદ માણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ માટે મેળાની તમામ રાઈડ ખાસ રિઝર્વ રાખવામાં આવી હતી, જેથી આશ્રિતોને ભીડમાં ઊભા રહેવાની જરૂર ન પડે અને તેઓ સરળતાથી મેળાની મોજ માણી શકે. યંગ ઈન્ડિયા ગ્રુપની આ માનવતાભરી પહેલથી આશ્રિતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

આ સેવાકીય અને સંવેદનશીલ પહેલ બદલ સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ તમામ આશ્રિતો વતી યંગ ઈન્ડિયા ગ્રુપનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.





















