
મોરબી, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વચ્છ, હરિયાળું અને આહલાદક વાતાવરણ મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં બગીચાઓ વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં સુરજબાગ, કેસરબાગ, શંકર આશ્રમ અને રાણીબાગ સહિત ચાર બગીચાઓની કામગીરી ચાલી રહી છે, જે પૈકી આગામી ચાર મહિનામાં ચારેય બગીચા નાગરિકો માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે.

મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા અનુસાર કેસરબાગનું રૂ. ૩.૪૯ કરોડના ખર્ચે વિકાસકામ ચાલી રહ્યું છે. ગત ૧૫ ડિસેમ્બરે શરૂ થયેલી કામગીરી ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે શંકર આશ્રમ ગાર્ડનનું રૂ. ૨.૪૮ કરોડના ખર્ચે વિકાસકામ હાથ ધરાયું છે. નદીકાંઠાના આહલાદક વાતાવરણ વચ્ચે વિકસાવવામાં આવી રહેલા આ ગાર્ડનમાં યોગા અને ગઝેબો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ કામગીરી પણ ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

મણિમંદિર ખાતે રૂ. ૨.૬૫ કરોડના ખર્ચે રાણીબાગનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ગત મે મહિનામાં શરૂ થયેલી આ કામગીરી જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો આયોજન છે. બગીચામાં નાગરિકો માટે ફૂડ કોર્ટ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુરજબાગનું રૂ. ૨.૧૩ કરોડના ખર્ચે વિકાસકામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ અંતિમ ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. આગામી ૨ ઓક્ટોબરના રોજ સુરજબાગને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ સરદારબાગ પણ પૂર્ણ થઈ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હાલ તેનું મેન્ટેનન્સ કાર્ય ચાલી રહ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા અન્ય બગીચાઓના વિકાસની કામગીરી પણ આગળ ધપાવવામાં આવી રહી છે. મોહનબાગનું કામ હાલ પ્રગતિમાં છે, જ્યારે જન કલ્યાણ ગાર્ડન માટે વર્ક ઓર્ડર પણ જારી કરી દેવામાં આવ્યો છે.

ભડિયાદમાં ૬.૫ હેક્ટરમાં બનશે ઓક્સિજન પાર્ક

ભડિયાદ ખાતે આશરે ૬.૫ હેક્ટર એટલે કે ૬૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઓક્સિજન પાર્ક એટલે કે મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વર્ક ઓર્ડર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી ૨ ઓક્ટોબરના રોજ મંત્રી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાવવાનું આયોજન છે. આ સ્થળે આશરે ૨.૫ લાખ મિયાવાકી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ભડિયાદ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના કારણે થતા હવાના પ્રદૂષણને ઘટાડવામાં આ ઓક્સિજન પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



















