CAA હેઠળ પ્રક્રિયા પૂર્ણ થતાં કલેક્ટરના હસ્તે નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા; અન્ય પેન્ડિંગ અરજીઓનો પણ વહેલી તકે નિકાલ કરવાની ખાતરી

મોરબી, 24 સપ્ટેમ્બર 2026: મોરબી જિલ્લામાં લાંબા સમયથી ભારત ખાતે વસવાટ કરી રહેલા પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના ચાર લોકોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરના હસ્તે આ ચાર નાગરિકોને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ભારતીય નાગરિકતા અધિનિયમ-1955ની કલમ 6(1) હેઠળ પાકિસ્તાનથી ભારતમાં આવેલા અરજદારોને નાગરિકતા આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર ચારેય વ્યક્તિઓ હવે ભારતના કાયમી નાગરિક બન્યા છે.

લાંબા સમયથી નાગરિકતાની રાહ જોઈ રહેલા પરિવારોને પ્રમાણપત્ર મળતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. નાગરિકતા મળ્યા બાદ તેઓ હવે દેશના અન્ય નાગરિકોની જેમ વિવિધ સરકારી યોજનાઓના લાભ તેમજ મૂળભૂત અધિકારો મેળવવા માટે સંપૂર્ણપણે હકદાર બન્યા છે.

નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વનિલ ખરેએ નવા CAA પોર્ટલ પર કરવામાં આવેલી અન્ય પેન્ડિંગ અરજીઓનો પણ વહેલી તકે હકારાત્મક નિકાલ કરવાની ખાતરી આપી હતી. અરજદારો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાગરિકતા પ્રાપ્ત કરનાર પરિવારો દ્વારા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયા પૂર્ણ થતાં પરિવારો માટે આ દિવસ મહત્વપૂર્ણ બની રહ્યો હતો.





















