જાગૃતિ રેલી, આયુર્વેદ ક્વિઝ સ્પર્ધા સહિત નિદાન કેમ્પ યોજાયો; ગ્રામજનોને ઔષધીય છોડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

મોરબી: પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને નિરોગી જીવનશૈલી અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી આયુષની કચેરી ગાંધીનગર તથા મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે ખાનપર ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ખાનપર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગ્રામજનોને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત યોગ નિદર્શન, સ્વસ્થતા શિબિર અને આયુર્વેદ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં આયુર્વેદ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામજનોને વિવિધ ઔષધીય છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિના ઉપયોગ અંગે પણ ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુર્વેદના મહત્વને લોકો સુધી પહોંચાડી સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો.






















