
મોરબી: જિલ્લાના વાંકાનેરથી એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહેલા એક ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી બાદ ડોક્ટર સાથે મારામારી કરવામાં આવતા હોસ્પિટલ સંકુલમાં અને તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે ડોક્ટરો સુરક્ષિત નથી તેવો રોષ આ ઘટના બાદ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ ડોક્ટરને માર મારી રહ્યો છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સામે ગંભીર આક્ષેપ

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદ અને હુમલા પાછળ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલનું નામ સામે આવ્યું છે. અમિત સેજપાલ સામે ફરજ પરના ડોક્ટર પર હુમલો કરવાનો અને મારકૂટ કરવાનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.વાંકાનેર સિવિલ હોસ્પિટલના અંદરના ભાગમાં બનેલી આ ઘટનાના કારણે થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો, અને દર્દીઓ તથા સ્ટાફમાં પણ ગભરાટ ફેલાયો હતો.

પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને ગુનો નોંધવાની તજવીજ: વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજમાં રૂબરૂ અડચણ ઊભી કરી ડોક્ટર સાથે મારામારી કરવાના આ મામલાને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ગંભીરતાથી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સક્રિય થઈ ગયો હતો.

હાલ પોલીસ દ્વારા આરોપી અમિત સેજપાલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવા સહિતની સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. તબીબોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવી લોકફરિયાદ ઉઠી છે.કાયદાકીય જોગવાઈ

ભારતમાં ફરજ પરના ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરવો એ ગંભીર ગુનો છે, જેમાં 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.સામાન્ય હુમલો કે ધમકી: 6 મહિનાથી 5 વર્ષ સુધીની કેદ અને દંડ (રૂ. 50,000 થી રૂ. 2 લાખ સુધી).

ગંભીર ઈજા કે નુકસાન: જો હુમલામાં ડોક્ટર કે સ્ટાફને ગંભીર ઈજા થાય, તો 7 વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડ થઈ શકે છે.હોસ્પિટલની સંપત્તિને નુકસાન: હુમલા સાથે તોડફોડ કરવા પર નુકસાનના વળતર (બમણી રકમ) વસૂલવાની પણ જોગવાઈ છે.




















