કલા મહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની

માંડવી: કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં માંડવીની પ્રતિભાશાળી દીકરી ક્રિતિકા પરેશભાઈ બુદ્ધભટ્ટીએ ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર, શાળા, સમાજ અને સમગ્ર માંડવી પંથકનું ગૌરવ વધાર્યું છે.

માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં ધોરણ-૭માં અભ્યાસ કરતી ક્રિતિકા પરેશભાઈ બુદ્ધભટ્ટીએ ભરતનાટ્યમની તાલુકા કક્ષાની સ્પર્ધામાં પોતાની અદભૂત નૃત્યકલા અને મનમોહક અભિનયથી નિર્ણાયકોને પ્રભાવિત કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ બદલ તેને વિજેતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ભરતનાટ્યમના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ક્રિતિકાએ રજૂ કરેલા નૃત્યમાં અભિનય, હાવભાવ, તાલ અને લયનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. તેની રજૂઆતને ઉપસ્થિતો તથા નિર્ણાયકો તરફથી પ્રશંસા મળી હતી.

ઉલ્લેખનીય છે કે ક્રિતિકા અગાઉ પણ નૃત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો અને સન્માનો મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપી ચૂકી છે. નાની ઉંમરે સતત સિદ્ધિઓ હાંસલ કરી રહેલી ક્રિતિકા નૃત્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.

ક્રિતિકાની આ સિદ્ધિ બદલ મારૂ કંસારા સોની સમાજ, પરિવારજનો, શાળા પરિવાર, શિક્ષકો, શુભેચ્છકો અને સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. સૌએ ક્રિતિકાને આગામી સમયમાં પણ નૃત્ય ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. (અહેવાલ : મહેશ સોની)





















