
મોરબી: 30 સપ્ટેમ્બર 2026: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સશક્તિકરણ અને આજીવિકા પ્રોત્સાહનના હેતુથી મોરબીમાં 10 દિવસીય ‘પ્રાદેશિક મેળો-2026’નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં, શિવ હૉલ સામે આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર 2026 દરમિયાન આ મેળો યોજાશે. મેળામાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 150થી 200 જેટલી સખી મંડળની બહેનો અને સ્વ-સહાય જૂથો ભાગ લેશે.

મેળામાં કુલ 55 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં 50 સ્ટોલ મારફતે સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ, વણાટકામની વસ્તુઓ, ઝુલા, સાડી, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં સહિતની વિવિધ પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરવામાં આવશે. જ્યારે 5 સ્ટોલ પર વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.

સખી બહેનોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા તેમજ તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવાના હેતુથી આ પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો મહિલાઓને સ્વરોજગાર અને આજીવિકાની તકો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના નાગરિકોને આ પ્રાદેશિક મેળાની મુલાકાત લઈ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરવા તથા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





















