HomeAllમોરબીમાં ૬થી ૧૭ વર્ષનાં બાળકો માટે નિઃશુલ્ક લાઇવ પેઇન્ટિંગ સેમિનારનું આયોજન

મોરબીમાં ૬થી ૧૭ વર્ષનાં બાળકો માટે નિઃશુલ્ક લાઇવ પેઇન્ટિંગ સેમિનારનું આયોજન

મોરબી, તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬: મોરબીની જાણીતી સામાજિક સેવાકીય સંસ્થા માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા બાલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ૬થી ૧૭ વર્ષનાં બાળકો માટે નિઃશુલ્ક લાઇવ પેઇન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આગામી તા. ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૨થી સાંજે ૬:૩૦ વાગ્યા દરમિયાન મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ, રેલવે સ્ટેશન પાસે, સ્ટેશન રોડ, મોરબી-૧ ખાતે યોજાશે.

આ વિશેષ સેમિનારમાં મોરબી જિલ્લાના જાણીતા પ્રોફેશનલ પેઇન્ટર અને ચિત્રકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી પેઇન્ટિંગ કલાનું લાઇવ નિદર્શન કરવામાં આવશે. સાથે જ બાળકોને ચિત્રકળાની વિવિધ પદ્ધતિઓ, સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલી સુષુપ્ત કલાપ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને તેમની સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવાનો છે.

સેમિનારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યારે સેમિનારમાં ભાગ લેનાર તમામ બાળ સહભાગીઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ નિઃશુલ્ક સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક બાળકોએ વહેલા તે પહેલાંના ધોરણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર ૯૭૨૬૫૦૧૮૧૦ પર વોટ્સએપ મારફતે બાળકનું પૂરું નામ, જન્મતારીખ, અભ્યાસ, સરનામું અને વાલીનો મોબાઇલ નંબર સહિતની વિગતો મોકલવાની રહેશે. નોંધણી કરવાની છેલ્લી તારીખ તા. ૧૫ ઓક્ટોબર, ગુરુવારના રોજ સાંજે ૬ વાગ્યા સુધી રાખવામાં આવી છે.

આ અંગે સંસ્થાના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદીએ વધુમાં વધુ બાળકોને આ સર્જનાત્મક અને માર્ગદર્શક સેમિનારનો લાભ લેવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments