
મોરબી, તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સખી મંડળની બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી ‘ગ્રામ હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ હાટનું ભવ્ય ઉદ્ઘાટન મોરબી તાલુકા પંચાયતનાં પ્રમુખ તુલશીબેન કેતનભાઈ મરવાણિયાના પ્રતિનિધિ કેતનભાઈ મારવાણિયા તેમજ મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સંદીપભાઈ ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા NRLM અને તાલુકા NRLMની ટીમ ઉપસ્થિત રહી હતી. ગ્રામ હાટના માધ્યમથી સખી મંડળની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવા તથા તેમની આજીવિકાને વેગ આપવા માટેની પહેલ કરવામાં આવી છે.

ગ્રામ હાટ સખી મંડળની બહેનોને સ્વરોજગાર, વ્યવસાયિક તકો અને આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડશે. આ પહેલ ગ્રામીણ મહિલાઓની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તેમજ મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
























