મોરબી મહાનગરપાલિકાકક્ષા અને ગ્રામ્ય જિલ્લાકક્ષા હેઠળ ૨૪ જેટલી રમતોનું આયોજન, ખેલાડીઓમાં ભારે ઉત્સાહ

૧૩ ઓક્ટોબર, ૨૦૨૬: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકાકક્ષા અને મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષા હેઠળ કુલ ૨૪ જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લામાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડો જેવી રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં જિલ્લાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રમતગમત પ્રતિભા, કૌશલ્ય અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ વયજૂથના ખેલાડીઓએ સ્પર્ધાત્મક ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રમતગમત પ્રત્યેનો પોતાનો જોશ અને જુસ્સો વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ રમતગમતને પ્રોત્સાહન આપવાનો, યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરો પાડવાનો અને ખેલાડીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ તથા ખેલદિલીની ભાવના વિકસાવવાનો છે. મોરબી જિલ્લામાં યોજાતી આ સ્પર્ધાઓથી સ્થાનિક રમતવીરોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી રહી છે.
























