
૨૮ ઓક્ટોબર ૨૦૨૬: લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ આધારિત સ્વદેશી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મેળાને પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મેળો આગામી ૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી યોજાશે.


સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે અનુપમ યોગ મંડળની બહેનો દ્વારા યોગ નૃત્યની અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમની કલાત્મક રજૂઆત ઉપસ્થિત મહેમાનો અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પ્રસંગે ‘વિકાસ વાટિકા’ પુસ્તકનું પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મેળામાં સખી મંડળની બહેનો દ્વારા વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને મહિલા સાહસિકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે પ્રોત્સાહન અને તક મળશે.

સ્વદેશી મેળાના મુખ્ય આકર્ષણોમાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ થીમ આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જનજાગૃતિને લગતાં નાટકોનો સમાવેશ થાય છે. મેળા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમો નાગરિકો માટે મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સ્વદેશી મેળાની મુલાકાત લેવા, સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




















