HomeAllલગ્નગાળાથી દિવાળી પર્વ પૂર્વેના ગાળામાં સોનુ 19.2 ટકા ઘટયું : હવે ખરીદી...

લગ્નગાળાથી દિવાળી પર્વ પૂર્વેના ગાળામાં સોનુ 19.2 ટકા ઘટયું : હવે ખરીદી કરી શકાય ?

મુંબઈ: દિવાળી પર્વના ઉત્સાહ અને મહિનાના અંતથી શરૂ થઈ રહેલી લગ્નગાળાની મોસમ વચ્ચે સોનાના ભાવમાં તાજેતરમાં થયેલો ઘટાડો પરંપરાગત ખરીદી કરવા ઈચ્છતા પરિવાર માટે એક શ્રેષ્ઠ તક લઈને આવ્યો છે.સોનાના ભાવમાં 29 જાન્યુઆરી 2026 ના રોજ પ્રતિ 10 ગ્રામ 1.75 લાખની સર્વોચ્ચ સપાટી નોંધાઈ હતી, જે ઘટીને 29 ઓક્ટોબર સુધીમાં 1.41 લાખ સુધી આવી પહોંચી છે. 19.2 ટકાનો આ ઘટાડો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ માત્ર સોનાની મજબૂત રેલી બાદનો વળાંક નથી, પરંતુ સુરક્ષિત સંપત્તિ (સેફ હેવન એસેટ) તરીકે સોનાની વિશ્વસનીયતાની પણ કસોટી કરી રહ્યો છે.

‘ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સ’ના સ્થાપક કલ્પેશ આશરે આ પરિસ્થિતિ પર વાત કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા 3-4 વર્ષોમાં સોનાના વર્તનને જોતાં તે એક પરંપરાગત સંપત્તિમાંથી વધુ અસ્થિર સંપત્તિ બની ગયું છે. આજની દુનિયા અણધારી બની ગઈ છે, જ્યાં વિવિધ સંપત્તિ વર્ગો તેમના મૂળભૂત આંકડા કે ટેકનિકલ ગણતરીઓ કરતાં ભૌગોલિક રાજકીય પરિબળો, ડર અને લાલચ દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા છે.”હાલમાં સોનાના ભાવો નાણાકીય નીતિ, વાસ્તવિક ઉપજ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા અને રોકાણની માંગ જેવા વિવિધ પરિબળોના સંયોજનથી પ્રભાવિત થઈ રહ્યા છે. ‘મોતીલાલ ઓસવાળ ફાઇનાન્શિયલ સર્વિસીસ’ના કોમોડિટી એનાલિસ્ટ માનવ મોદીનું કહેવું છે કે, અમેરિકામાં ઊંચા ફુગાવા અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફેરફારની આશંકાઓને કારણે બોન્ડ યીલ્ડ ઊંચી રહી છે, જેનાથી કિંમતી ધાતુઓમાં અસ્થિરતા આવી છે. જોકે, કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી, ઈટીએફમાં મજબૂત પ્રવાહ અને ચીનની રોકાણ માંગ હજુ પણ આ ક્ષેત્રને માળખાકીય ટેકો પૂરો પાડી રહી છે.

ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં વધારો ચાલું રહેવાની શક્યતા વ્યક્ત કરતા ‘ઈનક્રેડ મની’ના સીઈઓ વિજય કુપ્પા જણાવે છે કે, વર્ષ 2026 માં સોનાની માંગ સકારાત્મક રહી છે અને આગામી 6 થી 12 મહિના સુધી આ વલણ ચાલું રહેવાની શક્યતા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ છટ્ટા માસિક ગાળામાં સોનાની વૈશ્વિક માગ વાર્ષિક ધોરણે 2 ટકા વધીને 2,522 ટન નોંધાઈ હતી, જેનું મૂલ્ય 380 બિલિયન ડોલર જેટલું રેકોર્ડ સ્તરે રહ્યું હતું. આ વાતને આગળ વધારતાં ‘વિઘ્નહર્તા ગોલ્ડ’ના ચેરમેન મહેન્દ્ર લુણિયાનું માનવું છે કે, વર્તમાન અનિશ્ચિતતાઓ વધવાની શક્યતા હોવાથી આગામી 6 થી 12 મહિનામાં સોનાના ભાવ 2 થી 2.25 લાખની રેન્જમાં પહોંચી શકે છે.

અમેરિકાનું દેવું વધી રહ્યું છે અને ડોલર અમુક હદ સુધી મજબૂત રહેશે. ત્યારબાદ રાજકીય મુદ્દાઓ સોનાના ભાવ પર વધુ પ્રભાવ પાડશે, જેનાથી કિંમતોમાં વધુ ઉછાળો આવી શકે છે. જોકે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવશે તો સોનાના ભાવમાં વધુ કરેક્શન પણ જોવા મળી શકે છે. રોકાણના દ્રષ્ટિકોણથી સોનાની ખરીદી માટે માર્કેટના સમયગાળાની ગણતરી કરવાને બદલે નિષ્ણાતો શિસ્તબદ્ધ અભિગમ અપનાવવાની સલાહ આપે છે. ‘MMTC-PAMP’ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સમિત ગુહા જણાવે છે કે, ટૂંકા ગાળાની બજારની હલચલને આધારે નિર્ણય લેવાને બદલે ગ્રાહકોએ તેમના નાણાકીય લક્ષ્યો, આયોજિત ખર્ચ અને સોનું ખરીદવાના મૂળ હેતુને ધ્યાનમાં રાખવો જોઈએ.

તે જ સમયે, માનવ મોદી અને વિજય કુપ્પા એકસાથે મોટી રકમનું રોકાણ કરવાને બદલે ભાવમાં ઘટાડા વખતે ટુકડે-ટુકડે (સિસ્ટમેટિક પદ્ધતિથી) ખરીદી કરવાની ભલામણ કરે છે. સોનામાં રોકાણના વિવિધ સ્વરૂપો જેવા કે ભૌતિક સોનું (દાગીના), ગોલ્ડ ઈટીએફ (Gold ETFs), મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) અંગે વાત કરતાં નિષ્ણાતો ગોલ્ડ ઈટીએફને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવે છે. દાગીના કે ઘરેણાં ખરીદતી વખતે મેકિંગ ચાજીર્સ, જીએસટી અને રીસેલ ડિડક્શનને કારણે મળતું વળતર ઘટી જાય છે. વળી, સેબી દ્વારા ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ (FoF)માં નવા રોકાણ પર કામચલાઉ નિયંત્રણો મૂકાયા હોવાથી ડાઉનલોડ કે ડિમેટ એકાઉન્ટ ધરાવતા રોકાણકારો માટે ઈટીએફ સૌથી સરળ અને પારદર્શક માર્ગ છે.

ડિજિટલ ગોલ્ડ હજુ સુધી કોઈ રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં ન હોવાથી તેમાં જોખમ રહેલું છે. પોર્ટફોલિયોમાં સોનાના હિસ્સા (એલોકેશન) વિશે વાત કરતા કલ્પેશ આશરે જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓને જોતાં પોતાના કુલ પોર્ટફોલિયોના આશરે 15 ટકા હિસ્સો સોનામાં રાખવો યોગ્ય ગણાશે. સામાન્ય રીતે મધ્યમ જોખમ લેતા રોકાણકારો માટે 5 થી 15 ટકાનું સોનાનું રોકાણ યોગ્ય ગણાય છે. નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે માત્ર કિંમતો વધી રહી છે તેવા ડર (FOMO) થી કે ઈક્વિટી-ઈમરજન્સી ફંડના ભોગે સોનામાં અંધાધૂંધ રોકાણ કરવું નહીં, પરંતુ કુલ ખર્ચ, છુપા ચાર્જિસ અને નાણાકીય સલાહકારની મદદ લઈને જ આગળ વધવું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments