
દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે પ્રેરણાત્મક પહેલ : જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ૧૪ દીકરીઓ ધરાવતા પરિવારોનું સન્માન

માહિતી મોરબી: તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬

દીકરીઓના શિક્ષણ, ઉછેર અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘લંચ વિથ લાડલી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરવા તેમજ દીકરીઓને શિક્ષણ અને વિકાસની સમાન તકો પૂરી પાડવા અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં એક અથવા બે દીકરીઓ ધરાવતા ૧૪ પરિવારોને વિશેષ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બાળાઓ સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો અને ઉપસ્થિત પરિવારો તથા મહાનુભાવો સાથે બપોરનું ભોજન લીધું હતું.

દીકરીઓના સર્વાંગી વિકાસ અંગે પ્રેરક સંદેશ આપતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, દીકરીઓને જીવનમાં આગળ વધવા માટે માતા-પિતાનો મજબૂત સહકાર અને પ્રોત્સાહન અત્યંત જરૂરી છે. દીકરીઓને ખુલ્લું આકાશ આપી તેમના સપનાઓ સાકાર કરવા માટે યોગ્ય અને પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવું જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બંનેને સમાન તકો આપવી એ પરિવાર અને સમાજની નૈતિક જવાબદારી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અધિકારીઓએ પણ વાલીઓને દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવાની સાથે તેમને પોતાની સુરક્ષા અને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહી છે ત્યારે તેમને યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તો તેઓ સમાજ તથા દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, પોતાની દીકરીઓને જીવનમાં આગળ વધવા અને તેમના સપનાઓ સાકાર કરવા માટે પૂરતું પ્રોત્સાહન, સહકાર અને માર્ગદર્શન પૂરું પાડશે.

કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલપાબેન ત્રિવેદી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર, દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા સહિતના અધિકારીઓ, વાલીઓ અને બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દીકરીઓના સન્માન, શિક્ષણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો.


















