
આર્મીની 2 કોલમ નવસારી અને વલસાડ પહોંચી છે, NDRF ની ચાર ટીમ ઓડિશાથી સુરત પહોંચી છે જેમાંથી બે ટીમ વલસાડમાં છે અને બાકી એક એક ટીમ નવસારી અને સુરતમાં સ્ટેન્ડ બાય પર છે

ગાંધીનગર: રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસથિતિ અંગે માહિતી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા સમગ્ર વરસાદી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લામાં હવે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે.

રાજ્યમાં ચાલી રહેલી રેસ્ક્યુ અને રાહત કામગીરીને વધુ વેગ આપવા માટે ઓડિશાથી એનડીઆરએફ (NDRF) ની 4 ટીમો મંગાવવામાં આવી છે, જ્યારે વલસાડ અને નવસારી ખાતે ભારતીય આર્મીની 2 કોલમ તૈનાત કરવામાં આવી છે.

વરસાદી સ્થિતિ અંગે રાહત કમિશનરે આપી સમગ્ર માહિતી: વરસાદી આફત વચ્ચે પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 38 હજાર જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ અત્યાર સુધીમાં 352 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાહત કમિશનરે ઉમેર્યું હતું કે, તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી 1 માનવ મૃત્યુ નોંધાયું છે.





















