
ખાડાના કારણે અકસ્માતમાં કોઈનું મોત થશે તો જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની મહેશ રાજકોટિયાની ચીમકી; સાત દિવસમાં રી-સર્ફેસિંગ શરૂ કરવાની માંગ

મોરબી : મોરબી અને રાજકોટ જેવા બે મહત્વના ઔદ્યોગિક શહેરોને જોડતા સ્ટેટ હાઇવેની હાલત અત્યંત બિસ્માર બની હોવાની ફરિયાદ ઉઠી છે. હાઇવે પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો અંદાજે 3 કિમીનો માર્ગ અત્યંત જોખમી બન્યો હોવાનું જણાવાયું છે.

રસ્તા પર પડેલા ખાડાઓના કારણે બાઈક સ્લીપ થવા, વાહનોના ટાયર ફાટવા તેમજ નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરરોજ આ માર્ગ પરથી હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો અવરજવર કરતા હોવાથી માર્ગની ખરાબ સ્થિતિને લઈને વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે ખેડૂત નેતા અને અગ્રણી મહેશ રાજકોટિયાએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે મોરબી-રાજકોટ હાઇવે પર ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને લાંબા સમયથી સર્જાયેલી આ સ્થિતિ સામે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે.

મહેશ રાજકોટિયાએ ચીમકી ઉચ્ચારી છે કે માર્ગ પરના ખાડાના કારણે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો જવાબદાર અધિકારીઓ અને સરકાર સામે માનવ વધ અંગેનો ગુનો દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જનતાના ટેક્સના નાણાં ખર્ચાયા છતાં મુખ્ય માર્ગની આવી સ્થિતિ કેમ છે અને તેની જવાબદારી કોની છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

રજૂઆતમાં સમગ્ર મોરબી-રાજકોટ હાઇવેનું સાત દિવસની અંદર રી-સર્ફેસિંગ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત લજાઈ-વીરપર સહિતના જોખમી વિસ્તારોમાં તાત્કાલિક પેચવર્ક કરી વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ માર્ગની હાલત માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

હાઇવેની સ્થિતિને ગંભીરતાથી લઈ તંત્ર તાત્કાલિક સમારકામ હાથ ધરે અને વાહનચાલકોને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.


















