
જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલા સિંહણ ગામે ગેસ પાઇપલાઇનની કામગીરીને લઈને ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પોતાની સંમતિ કે યોગ્ય વળતર આપ્યા વિના જ ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો.

પોતાના ખેતરો બચાવવા ખેડૂતો એકજૂથ થઈ મેદાને આવ્યા
છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજપોલના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યાં હવે ગેસ પાઇપલાઇનનો મુદ્દો સામે આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

સિંહણ અને તેની આસપાસના ગામોના સેંકડો ખેડૂતો આજે પોતાના ખેતરો બચાવવા માટે એકજૂથ થઈને મેદાને આવ્યા હતા. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે વહીવટી તંત્ર કે સંબંધિત કંપની દ્વારા તેમને કોઈ પણ પૂર્વ માહિતી આપવામાં આવી નથી.

યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ બંધ રાખવાની માગ
પૂરતું વળતર ચૂકવ્યા વિના અને જમીન માલિકોની મંજૂરી લીધા વગર જ સીધેસીધું જમીનોમાં ખોદકામ કરીને પાઇપલાઇન પસાર કરવાની જોહુકમી ચલાવવામાં આવી રહી છે. જ્યાં સુધી વળતર અને અન્ય પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે, ત્યાં સુધી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવા ખેડૂતોએ માગ કરી છે. આ આંદોલનને સમર્થન આપવા માટે ખેડૂત નેતા પાલ આંબલીયા પણ સિંહણ ગામે પહોંચ્યા હતા.

મીડિયાકર્મીઓથી અધિકારીઓ દૂર ભાગતા નજરે પડ્યાં
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના નામે પોલીસે તેમને ઘટનાસ્થળે આગળ વધતા અટકાવ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર અફરાતફરીને પગલે ગેસ પાઇપલાઇનનું કામ કરી રહેલી કંપનીના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓ ચાલુ કામ છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. મીડિયાકર્મીઓએ જ્યારે આ અંગે કંપનીના સત્તાધીશોનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ કેમેરા સામે જવાબ આપવાનું ટાળીને ભાગતા નજરે પડ્યા હતા.

LCB અને SOGના જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલ વહીવટી તંત્ર દ્વારા સિંહણ ગામ અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ ઉપરાંત LCB અને SOGના જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ખેડૂતો પણ પોતાના હક માટે મક્કમ દેખાઈ રહ્યા છે. ખેડૂત સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી કંપની કે સરકાર તેમની સાથે બેઠક કરીને ન્યાયી ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી તેમનું આ આંદોલન અને વિરોધ પ્રદર્શન યથાવત રહેશે.

























