
દૂષિત પાણીથી તળાવનું શુદ્ધ પાણી પ્રદૂષિત થતું હોવાની રજૂઆત; તળાવના બે ભાગ કરી દૂષિત પાણીના નિકાલ સાથે બાયપાસ રોડ બનાવવાનો ઉપસરપંચનો પ્રસ્તાવ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં ગાબડું પડેલા સ્થળની કલેક્ટર અને મામલતદાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ઘુંટુ ગામના ઉપસરપંચ ગૌતમભાઈ જાદવજીભાઈ કૈલાએ ગામના તળાવમાં દૂષિત પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટર સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી.

ઉપસરપંચ ગૌતમભાઈ કૈલાના જણાવ્યા મુજબ ઉદ્યોગોમાંથી આવતું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને ઘુંટુ ગામના તળાવમાં પહોંચે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના પ્રવાહ સાથે આવતા દૂષિત પાણીને રોકવું મુશ્કેલ બનતું હોવાથી તળાવમાં સંગ્રહિત શુદ્ધ પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘુંટુ ગામના વિશાળ તળાવને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તળાવના એક ભાગમાંથી દૂષિત પાણી સીધું બહાર નીકળી જાય તેવી અલગ નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો તળાવના બીજા ભાગમાં શુદ્ધ પાણીનો સંગ્રહ જાળવી શકાય તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.

ઉપસરપંચના જણાવ્યા અનુસાર તળાવને બે ભાગમાં વહેંચવાની કામગીરી સાથે ગામને નવો બાયપાસ રોડ પણ મળી શકે તેમ છે. આ ઉપરાંત કેનાલ બારેમાસ ચાલુ રહેતી હોવાથી દૂષિત પાણીનો અલગથી નિકાલ કર્યા બાદ તળાવના શુદ્ધ પાણી માટેના ભાગને કેનાલના પાણીથી ભરી શકાય તેવી વ્યવસ્થા પણ શક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ આયોજન અમલમાં આવે તો તળાવમાં દૂષિત અને શુદ્ધ પાણી અલગ રાખી પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સાથે ગામને બાયપાસ રોડની સુવિધા પણ મળી શકે તેમ હોવાથી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.



















