
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસંગ્રહની સ્થિતિમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અને સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતમાં ચોમાસાની સરેરાશ મોસમનો વરસાદ 45.84 ટકા નોંધાયો છે. જેમાં પ્રાદેશિક ધોરણે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 73.67 ટકા અને સૌથી ઓછો કચ્છ ઝોનમાં માત્ર 6.32 ટકા પડ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, મધ્ય પૂર્વ ઝોનમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 38.68 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણે મેઘરાજાની કૃપા અલગ-અલગ રહી છે, જેનાથી ક્યાંક પૂર તો ક્યાંક હજુ પણ રાહતની રાહ જોવાઈ રહી છે.

સંતોષકારક વરસાદના પગલે રાજ્યના 206 જળાશયોમાં કુલ 43.37 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 68.33 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યભરમાં 10 જળાશયો સંપૂર્ણપણે 100 ટકા ભરાઈ ગયા છે.

આ સિવાય 24 જળાશયોમાં 70 થી 100 ટકા, 22 જળાશયોમાં 50 થી 70 ટકા, 50 જળાશયોમાં 25 થી 50 ટકા અને 100 જળાશયોમાં 25 ટકા સુધીનો જળસંગ્રહ નોંધાયો છે. જળસંગ્રહની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે 15 જળાશયો હાઈ એલર્ટ પર, 5 જળાશયો એલર્ટ પર અને 4 જળાશયો ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે.





















