HomeAllરાજકોટ - અમદાવાદ હાઇવે બંધ : ગેલોપ્સ પાસે ફસાયેલા 900 લોકોને ઉગારવા...

રાજકોટ – અમદાવાદ હાઇવે બંધ : ગેલોપ્સ પાસે ફસાયેલા 900 લોકોને ઉગારવા SDRF દોડી

બગોદરા પાસે ભારે વરસાદે ખાનાખરાબી સર્જી – સેંકડો લોકો હાઇવે ઉપર આશરો લેવા લાગ્્યા

રાજકોટ: અમદાવાદ જવા માટે હવે બગોદરાથી વેજળકા અને ત્યાં ધોલેરાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું : દુરંતો સહિતની ટ્રેનો પણ રદ્દ : વિરપુર જતા રસ્તે ઘોડાપુરમાં એક કાર તણાતા બે લોકોની શોધખોળ

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદે હવે ખાનાખરાબી શરૂ કરી દીધી છે અને હાઇવે પણ બંધ થવા લાગ્યા છે તે વચ્ચે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર બાવળા પાસે અતિ ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

હાઇવે પરના ગેલોપ્સ પાર્ક પાસે પુરના પાણીમાં અનેક મોટરો અને અન્ય વાહનો ફસાયા હતા. જેમાં 900 લોકો પાણી વચ્ચે મદદ માટે પોકાર લગાવી હતી અને તેમને બચાવવા સ્થાનિક પોલીસ તથા સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફોર્સના જવાનોએ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

તમામને ગેલોપ્સમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા રાજકોટ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીમાં મુખ્ય હાઇવે પરથી બગોદરાથી વેજળકા અને ત્યાં ધોલેરાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે .

તમામ વાહનોને બંને તરફથી એ માર્ગ પર પહોંચવા જણાવાયું છે. બીજી તરફ અમદાવાદથી લઇ સુરત સુધી ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર થઇ છે અને આજે કર્ણાવતી એકસપ્રેસ, ગુજરાત મેઇલ, દુરંતો કે જે હાપા-મુંબઇ સહિતની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

બીજી તરફ રાજયમાં હજુ આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા કંટ્રોલ રૂમને ખાસ કરીને પુરમાં ફસાયેલા લોકોને ઉગારવામાં પ્રાયોરીટી આપવા જણાવ્યું છે.

નવસારીમાં પુરના પાણીમાં ફસાયેલા 30 લોકોને એરલીફડેટ કરાયા હતા અને ભારતીય હવાઇદળના ત્રણ હેલિકોપ્ટરને રાહત અને બચાવમાં જોડવામાં આવ્યા છે. રાજકોટના ગોંડલ, જેતપુર, નેશનલ હાઇવેથી સ્વામીનારાયણ ગુરૂકુળથી વિરપુર જતા રસ્તે ઘોડાપુરમાં એક કાર તણાતા બે લોકોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments