24 કલાક બાદ પણ તંત્ર દ્વારા બસ બહાર કાઢવાની કામગીરી ન થતાં ગ્રામજનોએ ત્રણ JCB કામે લગાડ્યા; ભારે વરસાદની આગાહી વચ્ચે કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ તંત્રની તૈયારી સામે ઉઠાવ્યા સવાલ

માળીયા મિયાણા : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામ નજીક મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા બાદ શુક્રવારે ત્યાંથી પસાર થઈ રહેલી એસટી બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે બસ પલટી ન મારતા મોટી દુર્ઘટના ટળી હતી.

બસ ખાડામાં ફસાતા તેમાં સવાર મુસાફરો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના આશરે 24 કલાક બાદ પણ એસટી વિભાગ કે વહીવટી તંત્ર તરફથી બસને ખાડામાંથી બહાર કાઢવા માટે કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંતે સ્થાનિક ગ્રામજનોએ જાતે પ્રયાસ હાથ ધરી ત્રણ જેટલા JCBની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ભારે પ્રયાસો છતાં બસ ખાડામાંથી બહાર નીકળી શકી ન હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, 24 કલાક સુધી ખાડામાં ફસાયેલી એસટી બસને બહાર કાઢવાની કામગીરી પણ તંત્ર કરી શકતું ન હોય તો હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડે તેવી સ્થિતિમાં તંત્ર કેવી રીતે કામગીરી કરશે તે મોટો સવાલ છે.

ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવા અને રોડ સાઈડના ખાડાઓને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોવાથી આવા સ્થળોએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.




















