
મહેન્દ્રનગરના STPમાં ટ્રીટમેન્ટ બંધ હોવાનું તપાસમાં સામે આવ્યું : બેઠા પુલના ગરનાળામાંથી પણ શહેરનું ગટરનું પાણી સીધું પ્રવાહમાં ભળતું હોવાનો ખુલાસો

મોરબી : મચ્છુ-3 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીમાં વિવિધ સ્થળોએ મોટા પ્રમાણમાં ફીણ જોવા મળતાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ થયો હોવાની આશંકા ઊભી થઈ હતી. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ફીણ પાછળ કોઈ કેમિકલ કારણભૂત ન હોવાનું જણાવાયું છે. GPCBના અધિકારી સંજય માલસાતરના જણાવ્યા મુજબ વરસાદી પાણીમાં ઘરગથ્થુ ગટરનું ડિટર્જન્ટયુક્ત પાણી ભળવાથી અને પાણીની પછડાટને કારણે ફીણ સર્જાઈ રહ્યા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે ઘરગથ્થુ ગટરનું પાણી પણ પ્રવાહમાં ભળે છે. આ ગટરના પાણીમાં કપડાં અને વાસણ ધોવામાં ઉપયોગમાં લેવાતા ડિટર્જન્ટના તત્વો રહેલા હોય છે. આવું પાણી ચેકડેમ કે ઊંચાઈવાળા સ્થળેથી નીચે પડતાં ભારે પછડાટ સર્જાય છે, જેના કારણે ડિટર્જન્ટના તત્વોમાંથી મોટા પ્રમાણમાં ફીણ ઉત્પન્ન થાય છે.

ડેમ નજીક આવેલી વેલના કારણે આ ફીણ પાણીના પ્રવાહ સાથે આગળ વહી શકતા નથી અને એક જ સ્થળે એકત્ર થતા રહે છે. પરિણામે ફીણનો મોટો જથ્થો જમા થઈ ફુગ્ગા કે પર્વત જેવા આકારમાં જોવા મળે છે.

તપાસ દરમિયાન GPCBની ટીમે મહેન્દ્રનગર ખાતે આવેલા STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની પણ મુલાકાત લીધી હતી. અધિકારીના જણાવ્યા મુજબ તપાસ સમયે ત્યાં કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રક્રિયા કાર્યરત ન હોવાનું સામે આવ્યું હતું. પરિણામે ડિટર્જન્ટ સહિતનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ વિના સીધું જ પાણીના પ્રવાહમાં ભળી રહ્યું હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત બેઠા પુલ નીચે આવેલા મોટા ગરનાળામાંથી પણ મોરબી શહેરનું ગટરનું પાણી સીધેસીધું વહીને પ્રવાહમાં ભળી રહ્યું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.

GPCB દ્વારા સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટરને ટેલિફોનિક તેમજ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું છે. તપાસના તારણ મુજબ મચ્છુ-3 ડેમના પાણીમાં જોવા મળેલા ફીણ પાછળ કેમિકલયુક્ત પાણી નહીં, પરંતુ ડિટર્જન્ટયુક્ત ગટરનું પાણી અને પાણીની પછડાટ મુખ્ય કારણ હોવાનું GPCB દ્વારા જણાવાયું છે.


















