
મોરબી: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી સીએનજી પેટ્રોલ પંપ પાછળની ગણેશ નગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગ પર ગોઠણ સમા પાણી ભરાઈ જતાં રહીશોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક લગભગ કપાઈ ગયો છે. જિલ્લામાં આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં પ્રવેશ અને બહાર નીકળવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને જરૂરી સેવાઓ માટે અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થઈ છે.

રહીશોએ વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી સોસાયટીનો મુખ્ય માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ થઈ શકે અને લોકોને હાલાકીમાંથી રાહત મળે.






















